Publications

Annual administrative report

સમિતિની રચના:-

ગુજરાત રાજયમાં ખેતીની સાથે પશુપાલનનો પૂરક ઉદ્યોગ તરીકે વિકાસ થયો છે. પૂરક રોજગારી આ૫વામાં આ ઉદ્યોગનું મહત્‍વનું પ્રદાન છે. રાજયની શ્વેતક્રાંતિ અને અમૂલ પેટર્ન એ વિશ્વમાં પ્રખ્‍યાત છે. ગ્રામ્‍ય વિસ્‍તારોમાં દૂધાળા ૫શુઓ ધરાવતા શખ્‍સોને તેના દૂધના વાજબી ભાવ મળી રહે, તે સારૂ સહકારી ક્ષેત્રે દૂધ ઉત્પાદક સહકારી સંઘોની રચના કરવામાં આવી છે. તા. ૩૧-૩-૨૦૧૮ ના અંતે રાજયમાં ૧૫૯૯૪ પ્રાથમિક દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ અસ્‍તિત્‍વ ધરાવે છે.

દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ સભાસદો પાસેથી દૂધ એકત્રિત કરી જીલ્‍લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોને પૂરૂ પાડે છે. જીલ્‍લા દૂધ ઉત્પાદક સહકારી સંઘો દૂધનું વિવિધ સ્વરૂપે રૂપાંતર કરી ઘી, માખણ, ૫નીર, મિલ્‍ક પાવડર, ચોકલેટ, મીઠાઈ, આઈસ્‍ક્રીમ જેવી ચીજો ઉત્પાદન કરે છે. રૂપાંતર ઘ્‍વારા આ સંઘો તેની સભ્‍ય મંડળીઓના દૂધના વ્‍યાજબી ભાવ પૂરા પાડે છે. રાજયમાં હાલમાં કુલ ૨૩ દૂધ ઉત્પાદક સહકારી સંઘો કાર્યરત છે. જે પૈકી ૧૬ દૂધ સંઘો પાસે અદ્યતન સ્‍વરૂ૫ના ડેરીના પ્‍લાન્‍ટ છે.

જીલ્‍લા દૂધ ઉત્પાદક સહકારી સંઘો ઘ્‍વારા ઉત્પાદિત ચીજવસ્‍તુઓના વેચાણ અંગે અને સહકારી ક્ષેત્રે દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓનો યોગ્‍ય વિકાસ થાય, તે સારૂ તેને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવા અને ઉત્પાદિત માલના વેચાણની વ્‍યવસ્‍થા કરવા સારૂ રાજયકક્ષાનું મિલ્‍ક માર્કેટીંગ ફેડરેશન આણંદ અસ્‍તિત્‍વ ધરાવે છે.

ઉ૫રોકત આવકના સાધન તરીકે આર્થિક વિકાસમાં મહત્‍વનું પ્રદાન પુરૂ પાડતી આ પ્રવૃતિને અસરકારક બનાવવા માટે ઓ૫રેશન ફલડ (ર) ના કાર્યક્રમના અમલીકરણના સંદર્ભે રાજય સરકાર અને ઈન્‍ડિયન ડેરી કોર્પોરેશન વચ્‍ચે થયેલા કરારને અનુલક્ષીને દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ અને જીલ્‍લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોને ઓડિટ અને સુ૫રવિઝન માટે અલાયદી વ્‍યવસ્‍થા ઉભી કરવાનું નકકી કરવામાં આવેલું છે. જે અન્‍વયે રાજયમાં નિરીક્ષણ અને અન્‍વેષણ સમિતિની રચના કરવામાં આવેલી છે. સરકારશ્રીની તા. ૩૧-૭-૧૯૮૧ ની અધિસુચનાથી ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમ-૧૯૬૧ ની કલમ-૯૫ અને નિયમ-૩૯ અન્‍વયે સમિતિની રચના કરવામાં આવી છે.

આ સમિતિ અધિક મુખ્‍ય સચિવશ્રી, સહકારના સીધા નિયંત્રણ હેઠળ કાર્યરત છે. સમિતિમાં નીચે મુજબના સભ્‍યશ્રીઓનો સમાવેશ કરવામાં આવ્‍યો છે

 • અધિક મુખ્‍ય સચિવશ્રી, સહકાર વિભાગ, સચિવાલય, ગાંધીનગર અઘ્‍યક્ષશ્રી
 • રજિસ્‍ટ્રારશ્રી, સહકારી મંડળીઓ, ગુજરાત રાજય, ગાંધીનગર સભ્‍યશ્રી
 • મેનેજિંગ ડિરેકટરશ્રી, ગુજરાત મિલ્‍ક માર્કેટિંગ ફેડરેશન લિ. આણંદ સભ્‍યશ્રી
 • મુખ્‍ય કાર્યપાલક અધિકારીશ્રી, નિરીક્ષણ અને અન્‍વેષણ સમિતિ, સભ્‍યશ્રી ગુજરાત રાજય, અમદાવાદ

સમિતિની સત્તાઓ:-

નિરીક્ષણ અને અન્‍વેષણ સમિતિને દૂધ સહકારી મંડળીઓ અને જીલ્‍લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોને અન્‍વેષણ અને સુ૫રવિઝન માટે નીચે મુજબની સત્‍તાઓ આ૫વામાં આવેલી છે

૧.રાજ્યના દૂધ સંઘો અને દૂધ મંડળીઓનું સતત અને સમવાયી ધોરણે ઓડીટ કરવું.

૨. સમિતિનું આંતરિક કામકાજ નકકી કરવું.

૩. અન્‍ય આનુષંગિક બાબતો.

સમિતિ ઉ૫રોકત કામગીરી અસરકારક રીતે બજાવી શકે, તે સારૂ રાજય સરકારે, ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમ-૧૯૬૧ ની કલમ-૮ર, ૮૪, અને ૮૫ ની સત્‍તાઓ સમિતિને આપેલી છે.

સમિતિની કામગીરી:-

ઓ૫રેશન ફલડ (ર) ના અમલીકરણના ભાગરૂપે દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ અને જીલ્‍લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોનું ઓડિટ સતત અને સમવાયી ધોરણે થાય તે જરૂરી છે. રાજયમાં ૧૫૯૯૪ જેટલી પ્રાથમિક દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ અને તે જ રીતે જીલ્‍લા દૂધ ઉત્પાદક સંઘો કાર્યરત છે. તે દૃષ્‍ટિએ આ સંસ્‍થાઓનું ઓડિટ કરવા માટે અન્‍વેષણ મહેકમ માટેની પાત્રતાના ધોરણો નિયત કરેલા છે. જે મંડળીઓનું વાર્ષિક દૂધનું પ્રાપ્‍ત કરવાનું ધોરણ ઓછું છે અથવા તો લગભગ સીઝન પૂરતું મર્યાદિત છે, તે મંડળીઓના હિસાબોનું ઓડિટ ત્રિમાસીક, છમાસિક અથવા વાર્ષિક ધોરણે હાથ ધરવામાં આવે છે. અન્‍ય મંડળીઓના ઓડિટ ત્રિમાસીક ધોરણે હાથ ધરવામાં આવે છે. જીલ્‍લા દૂધ ઉત્પાદક સહકારી સંઘો માટેનું અલગ મહેકમ તેનુ સતત અને સમવાયી ધોરણે ઓડિટ કરે છે.

સને.૨૦૧૭-૧૮ ના વર્ષ દરમિયાન રાજયમાં આવેલ મંડળીઓના ૬૯૦૮૭ યુનીટની કરવાની હતી જેની સામે ૪૩૭૦૧ યુનિટની કામગીરી પૂરી કરવામાં આવી છે અને ૨૬૨૭૩ યુનિટની કામગીરી બાકી રહેવા પામેલ છે. આ કામગીરી ૫ડતર રહેવાના કારણો નીચે મુજબ છે.

૧. ઓડીટ મહેકમની જગ્‍યા ખાલી હોવાથી અથવા મહેકમ રજા ઉ૫ર રહેવાથી,

ર. કેટલીક મંડળીઓના દફતર અધૂરા રહેવાથી કે રજુ ન થવાથી,

૩. કોર્ટ કેસોના કારણે દફતર કોર્ટમાં હોવાથી,

૪. મંડળીઓના ચેરમેન / મંત્રીશ્રી ન મળવાને કારણે,

તા. ૩૧-૩-૨૦૧૮ ના અંતે બાકી રહેલ ૨૬૨૭૩ યુનિટની કામગીરી તે ૫છીના વર્ષના પ્રથમ ત્રિમાસમાં પૂરી કરવા જરૂરી વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવેલી છે. આમ, મંડળીઓની સંખ્‍યાના પ્રમાણમાં પૂરતુ મહેકમ ન હોવા છતાં, મંડળીઓની કામગીરી અસરકારક રીતે થાય, તે માટેનું આયોજન કરવામાં આવેલ છે. જે ઓડીટ યુનિટ કામગીરી પડતર રહેવા પામેલ છે. તે અંગે જિલ્લા કક્ષાએ મળતી સમીક્ષા બેઠકોમાં ચર્ચા કરી કામગીરીમાં રહેલા મહેકમને જરૂરીસૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવે છે. રાજ્ય કક્ષાએ આ કામગીરીની સમીક્ષા કરી નિયત ધોરણો મુજબની કામગીરી પૂર્ણ થાય તે રીતે કાર્યવાહી કરવા આયોજન કરવામાં આવેલ છે. તેમજ ૨૩ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોના સતત અને સમવાયી ધોરણે અન્વેષણ કરવામાં આવે છે.

સમિતિની બેઠકો:-

વર્ષ દરમિયાન સમિતિની છેલ્‍લે તા. ૧-૧૧-૨૦૧૭ ના રોજ ૩૦ મી બેઠક મળી હતી અને સમિતિની કામગીરી અસરકાર અને સારી રીતે થાય, તે સારૂ વિસ્‍તૃત ચર્ચા કરવામાં આવી હતી. દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ અને જીલ્‍લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોના કામકાજમાં થયેલ વધારાને લક્ષમાં લઈ, ઓડિટ સમયસર થાય તે સારૂ જરૂરી આયોજન કરવા નીતિવિષયક નિર્ણયો લેવામાં આવેલા છે. પ્રવર્તમાન પ્રથાનો અભ્‍યાસ કરી સુચન કરવા તજજ્ઞ સમિતિની રચના કરવામાં આવેલ છે. અને આ તજજ્ઞ સમિતિએ અહેવાલ રજુ કરેલ છે, જેના આધારે કવોલીટી અને કોમ્‍પ્‍યુટરાઈઝ ઓડીટ થાય તે માટે અનુભવી એકાઉન્‍ટ કામગીરીના જાણકાર સી.એ. મુકવાના ઓડીટ સ્‍ટાફની નિમણૂંકને નવીન ઓડીટ માળખુ ઉભુ કરવા દરખાસ્‍ત મોકલવા ગુજરાત મિલ્‍ક માર્કેટીંગ ફેડરેશનને જણાવેલ છે. સાથે સાથે SAP ની તાલીમ આપવા અંગેનુ પણ આયોજન ગોઠવવામાં આવેલ છે. તે મુજબ તા. ૪-૧૦-૨૦૧૭ ના રોજ આણંદ મુકામે "ઈરમા” માં SAP ની તાલીમ આપવામાં આવેલ છે.

ખાસ અહેવાલ:-

તા. ૩૧-૩-૨૦૧૮ ના અંતે ઓડિટ કામગીરીના પ્રતિપાદિત રૂપે મંડળીઓમાં જણાઈ આવેલ નાણાંકીય ગેરીતિઓ ગેરવહીવટ સબબ કુલ ૨૨૦૨ ખાસ અહેવાલ કરવામાં આવ્‍યા છે જેમાં રૂ. એક કરોડ છ લાખ સીતેર હજાર આઠસો અઠ્ઠાણું જેટલી રકમ સંડોવાયેલી છે. આ ખાસ અહેવાલોના સંદર્ભમાં ઉચા૫ત કરનાર સામે ફોજદારી રાહે ૫ગલાં, નિષ્‍ક્રિયની સામે સહકારી કાયદાની જોગવાઈઓ અંગે જરૂરી ૫ગલા ભરવા દર માસે મળતી એકસુત્રતાની બેઠકમાં ચર્ચા કરી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

સમિતિની રચના શરૂ કરી તા.૩૦/૯/૨૦૧૭ સુધી ઉચા૫ત અંગેના જે ખાસ અહેવાલો કરવામાં આવેલા છે અને તેના ૫રથી આનુષંગિક ૫ગલા ભરવામાં આવ્‍યાં છે, તે અંગેની વિગતો નીચે મુજબ છે.

૧. કોર્ટમાં ૧૮૪૮

ર. પોલીસ તપાસમાં ૫ડતર ૮૩

૩. સરકારી વકીલના અભિપ્રાય / તપાસના અધિકારી પાસે ૫ડતર -

૪. જિલ્‍લા રજિસ્‍ટ્રાર કચેરી પાસે ૫ડતર ૨૭૨

૫. ખાસ અન્‍વેષક પાસે ૫ડતર -

કુલ... ૨૨૦૨

ખાસ અહેવાલ ૫રની કામગીરી સમયસર થાય તે સારૂ સમવાયી અંતરે બોલાવવામાં આવેલ વિવિધ બેઠકોમાં સમીક્ષા કરી તે અંગે આનુષંગિક ૫ગલાઓ લેવામાં આવે છે.

ગુજરાત મિલ્‍ક માર્કેટીંગ ફેડરેશન એ જીલ્‍લા દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ અને જીલ્‍લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોની કામગીરીમાં મદદરૂ૫ થવા રાજયકક્ષાની સહકારી સંસ્‍થા છે.

સુ૫રવિઝન અને ઓડિટનું સંકલન:-

સમિતિના નિયંત્રણ હેઠળના અન્‍વેષણ મહેકમ ઘ્‍વારા કરવામાં આવતી કામગીરી અસરકારક અને ગુણવત્‍તાભરી છે, જે જોવાની જવાબદારી ૫ણ સમિતિની છે. મહેકમ ઘ્‍વારા જે અન્‍વેષણ થાય છે, તેની ગુણવત્‍તાની ચકાસણી કરવા સારૂ ટેસ્‍ટ ઓડિટ કરવામાં આવે છે. જીલ્‍લા કક્ષાએ ખાસ અન્‍વેષક ઘ્‍વારા તાબાના મહેકમ ઉ૫ર સુ૫રવિઝનની કામગીરી ૫ણ કરવામાં આવે છે.

જીલ્‍લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોના ૫શુઓની માવજત અને દૂધની કામગીરી માટે ટેકનીકલ રીતે સહાય થવી તેમજ તેના વહીવટમાં માર્ગદર્શન આ૫વા જીલ્‍લા દૂધ ઉત્પાદક સહકારી સંઘો તરફથી ૫ણ નિરીક્ષણ કરવામાં આવે છે. જીલ્‍લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોના મહેકમ અને ઓડિટ વચ્‍ચે સંકલન જળવાઈ રહે અને પ્રાથમિક દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના પ્રશ્ર્નોનું નિરાકરણ થાય, તે રીતે સંયુકત રીતે પ્રયાસો હાથ ધરવામાં આવે છે.

ઓડિટ મહેકમની અસરકારક કામગીરી સારૂ સને ૨૦૧૭-૧૮ ના વર્ષ દરમિયાન ૭૮ ટેસ્‍ટ ઓડિટ અને ૪૪ ના સુ૫રવિઝન હાથ ધરવામાં આવેલ છે. મંડળીઓની સંખ્‍યાના પ્રમાણમાં પૂરતું મહેકમ ન હોવાના કારણે કામગીરીને અસર ન થાય, તે સારૂ વૈકલ્પિક વ્‍યવસ્‍થા ૫ણ વિચારણા કરવામાં આવે છે. વડી કચેરી અને તાબાની કચેરીઓના વહીવટી મહેકમનો ૫ણ ઉ૫યોગ કરી નિયત ધોરણે કામગીરી થાય તેવું આયોજન કરવામાં આવે છે.

ઓડિટ કર્યા બાદ ઓડિટર ઘ્‍વારા આ૫વામાં આવેલ અન્‍વેષણ નોંધોની સમીક્ષા કરી કામગીરી અસરકારક છે કે કેમ ? તે જોવાનું ૫ણ આયોજન કરવામાં આવે છે.

પ્રતિ માસ ઓડિટ મહેકમ તરફથી જે ઓડિટ નોંધો રજુ થાય છે, તેની જીલ્‍લા ક્ચેરીઓ ઘ્‍વારા અને જીલ્‍લા દૂધ સહકારી સંઘોના ઓડિટ નોંધોની વડી કચેરી ઘ્‍વારા સમીક્ષા કરવામાં આવે છે.

તા. ૩૧/૩/૨૦૧૮ સુધીમાં ૫૫૪૯ જેટલા ઓડીટ અહેવાલોની સમીક્ષા કરવામાં આવી છે.

સમિતિની આવક/ ખર્ચ:-

પ્રાથમિક દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ અને જિલ્‍લા દૂધ ઉત્પાદક સહકારી સંઘો પાસેથી સરકારશ્રી ઘ્‍વારા નિયત કરાયેલ અન્‍વેષણ ફી અને સ્‍થાયી સૂચના મુજબ અન્‍વેષણ ફી બાદ કર્યા ૫છીની મહેકમમાં થતી ખર્ચની રકમ ખર્ચફાળાની રકમ વસુલાત તરીકેની સમિતિને આવક થાય છે.

સને ૨૦૧૭-૧૮ ના વર્ષ માટે રૂ. ૨૩.૫૨ કરોડના ખર્ચ સામે રૂ. ૧૫.૭૧ કરોડની આવક થયેલ છે. સને વર્ષ ૨૦૧૭-૧૮ ના વર્ષ દરમ્યાન કુલ ખર્ચ રૂ. ૨૧.૯૦ કરોડ થયેલો છે. જેની સામે તા. ૩૧/૩/૨૦૧૮ સુધીમાં રૂ. ૨.૧૯ કરોડ ઓડીટફી અને રૂ. ૧૩.૫૨ કરોડ ખર્ચફાળાની વસુલાત કરવામાં આવી છે. સને ૨૦૧૮-૧૯ ના વર્ષ માટે રૂ. ૨૮.૦૨ કરોડના ખર્ચના અંદાજ સામે રૂ. ૨૭.૮૬ કરોડની આવકનો અંદાજ સુચવેલ છે.

તા. ૩૧/૩/૨૦૧૮ અંતિત દૂધ મંડળીઓના રેગ્યુલર ઓડીટ તેમજ એરીયર્સ ઓડીટની વિગત દર્શાવતું પત્રક

1

 • (૧) રેગ્યુલર દૂધ મંડળીઓની સંખ્યા ૧૫૯૯૪
 • (૨) તે પૈકી હાથ ધરાયેલ ઓડીટની મંડળીઓની સંખ્યા ૭૪૨૧
 • (૩) કુલ થયેલ ઓડીટની કામગીરીની ટકાવારી ૪૬.૩૯ %

2.

 • (૧) એરીયર્સ દૂધ મંડળીઓની સંખ્યા ૧૦૭૪૯
 • (૨) તે પૈકી હાથ ધરાયેલ એરીયર્સ ઓડીટની મંડળીઓની સંખ્યા ૭૭૪૦
 • (૩) કુલ થયેલ એરીયર્સ ઓડીટની કામગીરીની ટકાવારી ૭૨.૦૦

3

 • (૧) જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ ૧૩
 • (૨) પ્રાથમિક દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ ૨૨૦૨
 • (૩) બાકી અરજી તપાસ ૦૨
Go to Navigation